દેવી પૂજનથી દેહશોષણ સુધી: શું ભારત ભટકી ગયું છે?

દેવી પૂજન થી દેહશોષણ સુધી: શું ભારત ભટકી ગયું છે?

જે દેશની માટીમાં સિંધુ સભ્યતાની સુગંધ છે, જ્યાં સ્ત્રીને શક્તિ અને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે, તે જ દેશમાં આજે સ્ત્રી આટલી અસુરક્ષિત કેમ? 
સિંધુ સભ્યતામાં માતૃદેવીની પૂજા થતી હતી અને સ્ત્રીને સમાજના કેન્દ્રમાં રાખીને દરેક કાર્યની શરૂઆત કરવામાં આવતી હતી. 
જે સંસ્કૃતિમાં "નારી તું નારાયણી"નો સિદ્ધાંત વણાયેલો છે, 
ત્યાં હાલની વાસ્તવિકતા આટલી બિહામણી કેમ છે?

બ્રહ્મપુરાણના ઉલ્લેખ મુજબ, સૃષ્ટિની સર્વપ્રથમ સ્ત્રી 'શતરૂપા' માનવામાં આવે છે, જેનું નિર્માણ સ્વયં બ્રહ્માજીએ કર્યું હોવાનું મનાય છે. 
પ્રાચીન સમયથી આપણે ત્યાં સ્ત્રીને દેવીનું સ્થાન મળ્યું છે, પછી તે વૈદિક કાળ હોય કે પૌરાણિક યુગ. 
તો આઝાદ ભારતમાં એવું તો શું થયું કે આજે સ્ત્રી માત્ર શરીર સુખ મેળવવાનું અને વંશવેલો આગળ વધારવાનું સાધન બનીને રહી ગઈ છે?

જ્યારે પણ કોઈ બળાત્કારની ઘટના બને છે ત્યારે સમાજ મીણબત્તીઓ સળગાવે છે, કાયદો બદલાય છે અને સોશિયલ મીડિયા પર આક્રોશ ઠલવાય છે. પણ થોડા દિવસો પછી શું થાય છે?
એ તો તમને ખબર જ છે... 
બધું સાવ શાંત! 
અને થોડા સમય બાદ ફરીથી કોઈ નવી ઘટના...
આખરે એક માણસ પશુ કેમ બની જાય છે? 
શું બળાત્કાર માત્ર કાબૂ બહાર ગયેલી કામવાસના છે? ના! 
આ સમસ્યાનું મૂળ શરીરની ભૂખમાં નહીં, પણ મનની વિકૃતિમાં રહેલું છે.

આઝાદ ભારત! વિકસતું ભારત! શું ખરેખર?

(READ THIS CAREFULLY !)

NCRB (નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો)ના રિપોર્ટ મુજબ ભારતમાં દર 1 કલાકે મહિલાઓ વિરુદ્ધ જાતીય સતામણીની 51 જેટલી FIR રજીસ્ટર થાય છે. 
હા, 51 FIR! અને આ તો માત્ર ચોપડે નોંધાયેલા આંકડા છે. વિચારો કે કેટલીક મહિલાઓ સામાજિક બદનામી કે પારિવારિક ડરના કારણે પોલીસ સ્ટેશનના પગથિયાં ચડતાં અચકાતી હશે?

થોડું સ્પષ્ટ કહું તો, ભારતમાં દર 16 મિનિટે એક સ્ત્રી બળાત્કારનો ભોગ બને છે. તમે આ આર્ટિકલ વાંચીને પૂરો કરશો ત્યાં સુધીમાં ક્યાંક કોઈક સ્ત્રી, કોઈની દીકરી, પત્ની કે બહેન પીંખાઈ ચૂકી હશે.

EVERY 16 MINUTES, A WOMAN IS RAPED SOMEWHERE IN INDIA...!!!

• ભારતમાં એક દિવસમાં સરેરાશ 88 થી 90 બળાત્કારના કેસ સામે આવે છે.
• આ આંકડો એક વર્ષમાં 32,000 પાર કરી જાય છે.
• તમને આ આંકડાઓ વાંચીને કદાચ નવાઈ નહીં લાગે, કેમ કે આપણે કદાચ હવે 'સંવેદનહીન' થઈ ગયા છીએ.

આ તો વિકાસશીલ ભારત છે! અહીં મંદિર-મસ્જિદના મુદ્દા પર લડવું અનિવાર્ય છે, પરંતુ જ્યારે દર 16 મિનિટે એક દીકરી ચીસો પાડીને પુકારે છે ત્યારે આપણે કાન બંધ કરી લઈએ છીએ. જાણે કે બળાત્કારીને સજા ના મળે તો ચાલશે, પણ ધાર્મિક સ્થળો તો મળવા જ જોઈએ... બરાબર ને?

~ વર્લ્ડ બેંક અને અન્ય રિપોર્ટ્સ મુજબ: ~ 

• ભારતની 27% થી 30% મહિલાઓએ તેમના જીવનમાં ક્યારેક ને ક્યારેક શારીરિક હિંસા કે જાતીય સતામણીનો સામનો કર્યો છે.

• 2021ની સરખામણીમાં 2022માં રેપ કેસમાં 20% નો વધારો નોંધાયો છે (કુલ 31,516 કેસ).

~ શા માટે થાય છે બળાત્કાર? (Profile of a Rapist) ~ 
અહીં બળાત્કાર પાછળના મુખ્ય મનોવૈજ્ઞાનિક અને સામાજિક કારણો છે:

1. મનોવૈજ્ઞાનિક કારણ: વાસના નહીં, સત્તાનો નશો

સમાજમાં સૌથી મોટી ગેરસમજ એ છે કે બળાત્કાર એ સેક્સની તીવ્ર ઈચ્છા (Lust)નું પરિણામ છે.
• હકીકત: ક્લિનિકલ સાયકોલોજીસ્ટ નિકોલસ ગ્રોથ (Nicholas Groth)ના અભ્યાસ મુજબ, બળાત્કાર એ 'સેક્સ્યુઅલ એક્ટ' નથી, પણ 'એક્ટ ઓફ વાયોલન્સ' (હિંસાનું કૃત્ય) છે.

• સત્તા (Power): બળાત્કારી માટે સેક્સ ગૌણ છે. તેને મજા શેમાં આવે છે? સામેવાળી વ્યક્તિને લાચાર જોવામાં, તેની ચીસો સાંભળવામાં અને તેની મરજી વિરુદ્ધ જઈને તેને તાબે કરવામાં.

• સેડિઝમ (Sadism): આ એક માનસિક વિકૃતિ છે. જેમ એક બાળક કીડીને મારીને મજા લે છે, તેમ બળાત્કારી પીડિતાના આત્મસન્માનને કચડીને એક વિકૃત આનંદ મેળવે છે.

• તર્ક: જો તે માત્ર શારીરિક ભૂખ હોત, તો તે સંમતિથી અન્ય માર્ગો શોધી શકત. પરંતુ તેને "ના" પાડનાર વ્યક્તિની "હા"ને કચડી નાખવી છે. તેને 'જીત' જોઈએ છે, પ્રેમ નહીં.

2. ઉછેર અને સામાજિક કન્ડીશનીંગ: "રાજા બેટા" સિન્ડ્રોમ
બળાત્કારી કોઈ બીજા ગ્રહ પરથી નથી આવતો, તે આપણા જ ઘરોમાં, આપણા જ ઉછેરનું પરિણામ છે. ભારતીય પરિવારોમાં દીકરાને નાનપણથી "રાજા બેટા" કહીને મોટો કરવામાં આવે છે.

• Toxic Masculinity (ઝેરી મર્દાનગી): "છોકરાઓ રડે નહીં" અને "મર્દને દર્દ ન થાય" – આ વાક્યોએ પુરુષની સંવેદના મારી નાખી છે. તેને શીખવવામાં આવે છે કે સ્ત્રી પર રોફ જમાવવો અને કંટ્રોલ કરવો એ જ સાચી મર્દાનગી છે.

• Rejection Handling (નકાર સ્વીકારવાની અક્ષમતા): આપણા દીકરાઓને "હા" સાંભળવાની એટલી આદત પડી ગઈ છે કે તેઓ સ્ત્રીના મોઢે "ના" સાંભળી શકતા નથી. જ્યારે કોઈ છોકરી ના પાડે છે, ત્યારે તેના "Male Ego" (પુરુષ અહંકાર) પર ઘા લાગે છે.

3. સ્ત્રીનું ઓબ્જેક્ટિફિકેશન: માણસ મટીને 'વસ્તુ' બનતી નારી
'Objectification' એટલે કોઈ જીવંત વ્યક્તિને નિર્જીવ 'વસ્તુ' (Object) સમજવી.

• જ્યારે તમે પાણી પીને પ્લાસ્ટિકનો ગ્લાસ કચડીને ફેંકી દો છો, ત્યારે તમને દુઃખ નથી થતું કારણ કે તે 'વસ્તુ' છે. બળાત્કારી સ્ત્રીને આવી જ 'વસ્તુ' સમજે છે.

• પોર્નોગ્રાફીની અસર: ભારતમાં સસ્તા ઈન્ટરનેટને કારણે પોર્નોગ્રાફીનું દૂષણ વધ્યું છે. પોર્નમાં સ્ત્રીને માત્ર એક 'શરીર' તરીકે દર્શાવવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ સતત આવું કન્ટેન્ટ જુએ છે, ત્યારે તેના મગજમાં સ્ત્રીની ઈમેજ "માતા, બહેન કે મિત્ર" તરીકે નહીં પણ "ઉપભોગની વસ્તુ" તરીકે અંકિત થઈ જાય છે.

4. કાયદાનો અભાવ અને 'ચાલશે' ની વૃત્તિ
ગુનેગારોને કાયદાનો ડર કેમ નથી? કારણ કે આંકડા તેમની તરફેણમાં છે.
• ભારતમાં રેપ કેસમાં સજાનો દર (Conviction Rate) માંડ 27-28% ની આસપાસ છે. મતલબ કે 100 માંથી 70 ગુનેગારો પુરાવાના અભાવે છૂટી જાય છે.

• ન્યાયમાં વિલંબ: "તારીખ પે તારીખ" – નિર્ભયાના ગુનેગારોને પણ ફાંસી મળતા 7 વર્ષ લાગ્યા હતા. આ વિલંબ ગુનેગારોને હિંમત આપે છે.

• વિકટિમ બ્લેમિંગ: જ્યારે બળાત્કાર થાય છે, ત્યારે સમાજ અને પોલીસ ઘણીવાર પીડિતાને જ સવાલો કરે છે – "તું ત્યાં શું કરવા ગઈ હતી?", "કપડાં કેવા હતા?".

5. સમાજ અને સત્તાધીશોની વિકૃત માનસિકતા
આવું વલણ માત્ર સામાન્ય જનતામાં જ નહીં, પણ દેશના નેતાઓમાં પણ જોવા મળે છે.
મુલાયમ સિંહ યાદવે એકવાર કહ્યું હતું: "છોકરાઓ છે, ભૂલ તો થઈ જાય, એમાં ફાંસી થોડી અપાય?"
RSS પ્રમુખ મોહન ભાગવતે 2012 માં કહ્યું હતું કે, "બળાત્કાર 'INDIA' માં થાય છે, 'ભારત' માં નહીં." તેમનો ઈશારો એ હતો કે સ્ત્રીઓ જ્યારે આધુનિક બને છે, ઘરની બહાર નીકળે છે ત્યારે સમસ્યા થાય છે.
આવી માનસિકતા જ સાબિત કરે છે કે આપણો સમાજ આજે પણ "પિતૃસત્તાક" (Patriarchal) છે.

6. દબાયેલી કામવાસના (Suppressed Sexuality)
આચાર્ય રજનીશ કહેતા હતા કે – "Repression leads to Obsession" (દમન એ પાગલપણ તરફ લઈ જાય છે).

• દંભી સમાજ: ભારત કામસૂત્રનો દેશ છે, છતાં અહીં 'સેક્સ' શબ્દ બોલવો પણ પાપ ગણાય છે. શાળાઓમાં સેક્સ એજ્યુકેશનનો વિરોધ થાય છે.

• પ્રેશર કૂકરની સ્થિતિ: કુદરતી જાતીય આવેગો (Sexual urges) દરેક મનુષ્યમાં હોય છે. જ્યારે સમાજ અને ધર્મ આ આવેગોને બળજબરીથી દબાવે છે, ત્યારે તે નાશ નથી પામતા, પણ મનના અંધારા ખૂણામાં સડીને 'વિકૃતિ' (Perversion) બની જાય છે. બળાત્કાર એ આ દબાયેલી માનસિકતાનો વિસ્ફોટ છે.

~ નિષ્કર્ષ: દેવી કે માણસ? ~ 

આપણો સમાજ માને છે કે સ્ત્રીઓએ કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ. 
ભારતની 80% મહિલાઓને આજે પણ દવાખાને જવા માટે રજા લેવી પડે છે. 
આ બધા પાછળ એક જ કારણ છે: 
ATTITUDE. 
સ્ત્રીને મિલકત સમજવાનો અને તેના પર કાબૂ રાખવાનો એટીટ્યુડ.

આર્ટિકલની શરૂઆતમાં આપણે વાત કરી હતી કે ભારત સ્ત્રીને 'દેવી' માને છે. પણ કદાચ આ જ આપણી મોટી ભૂલ છે. 

• પથ્થરની મૂર્તિને સાડી પહેરાવીને પૂજવી સહેલી છે, પણ હાડ-ચામના જીવતા માણસને માન આપવું અઘરું છે. સ્ત્રીને 'દેવી' બનાવીને આપણે તેને પવિત્રતાના એવા બોજા નીચે દબાવી દીધી છે કે તેની સાથે થતી હિંસા પણ આપણને દેખાતી નથી.

• આજે સ્ત્રીની માંગણી બહુ નાની છે – તેને પૂજાવું નથી, તેને મંદિરમાં બેસવું નથી. તેને બસ રસ્તા પર નિર્ભય થઈને ચાલવું છે.
આપણા સમાજે સ્ત્રીને 'દેવી' અને 'વસ્તુ' – આ બે છેડાની વચ્ચે ક્યાંક ખોઈ નાખી છે. 

• જો આપણે બળાત્કાર મુક્ત ભારત બનાવવું હોય, તો સ્ત્રીને દેવી કે રમકડું માનવાનું બંધ કરી, તેને માત્ર એક સમાન 'માણસ' ગણતા શીખવું પડશે.

• જે દિવસે પુરુષની નજરમાં સ્ત્રી માટે 'ભૂખ' ને બદલે 'ભાવ' હશે, તે દિવસે સાચા અર્થમાં ભારત વિકસિત થશે.

"દીકરી બચાવોના" નારા બોવ લગાડ્યા ,
હવે "દિકરો સુધારો" એમાં થોડું ધ્યાન આપીએ.

                                                        ~ By: P.D.Dholiya

________________________________________________

• Write and Compose : Prince Dinesh Dholiya.
 © 2025 Prince Dholiya 'Viragi'

• Publish Date : 22 Nov 2025

@ Sources & References:
1. (NCRB): 'Crime in India' Annual Reports (2021 & 2022)

2. Ministry of Statistics and Programme Implementation (MoSPI): 'Women and Men in India' Report.

3. Clinical Psychology Journals: Studies on 'Cognitive Distortion' and 'Sadistic Personality Disorder'.

4. Dr. Nicholas Groth: "Men Who Rape: The Psychology of the Offender" (1979).

5. Media Archives.





Comments

Popular posts from this blog

સ્ક્રીનની ચમક કે પછી જીવનનો અંધકાર...!!!

रजनीश ।